Bal Vrund Pdf file-2024-25 બાલવૃંદ ફાઇલ
Bal vrund |
૧) બાલવૃંદ સંકલ્પના
બાલવૃંદ એટલે શાળામાં ધોરણવાર, શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને તેમનાં રસ-રૂચિ મુજબ ક્ષ મતાના ધોરણે વિવિધ જૂથમાં વિભાજીત કરી વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ કરાવી તેઓની સક્રિયતા વધારવા માટેની વ્યવસ્થા.
બાલવૃંદ એ શાળામાં નવી રીતે ભણાવવા માટે નહીં પણ શાળામાં થતી રોજબરોજની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જૂથકાર્યમાં વધુ સક્રિયતાથી સાંકળવા માટેની પ્રવિધિ તરીકે જોવામાં આવશે.
શાળાનાં ધોરણ ૩ થી ૧૨ ના તમામ બાળકો જૂથમાં વહેંચાય અને આ જૂથ મુજબ વર્ગખંડમાં અને શાળાકીય પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લે એવી વ્યવસ્થા એટલે બાલવૃંદ. બાળકોની જૂથમાં રહેવાની સહજ વૃત્તિ અને અલગ અલગ જૂથ વચ્ચે થનાર હકારાત્મક તંદુરસ્ત આંતરસ્પર્ધાને લીધે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે.
૨) બાલવૃંદની રચનાની પ્રક્રિયા
a) જૂથ રચના
ધોરણ ૩ થી ૧૨ નાં તમામ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર ચાર જૂથમાં વિભાજીત કરવામાં આવશે. જેથી દરેક ધોરણમાં પણ આ ચાર જૂથ હશે.
• આ દરેક બાલવૃંદમાં ધોરણ ૩ થી ૧૨ના સપ્રમાણ વિદ્યાર્થીઓ રાખવામાં આવશે.
શક્ય હોય ત્યાં સુધી બાલવૃંદમાં દરેક ધોરણ-વર્ગના તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આવરી લેતાં જૂથ તૈયાર કરવામાં આવશે. જેમકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ, રમતગમત અને કલામાં સારું પ્રદર્શન કરતાં વિદ્યાર્થીઓને સમાન રીતે દરેક જૂથમાં વહેંચવામાં આવશે.
બાલવૃંદ જૂથમાં વિવિધ રસ-રૂચિ ધરાવતાં બાળકોને સમાન રીતે વહેંચવામાં આવશે.
શાળામાં પણ એજ રીતે જે તે ધોરણના તમામ ચાર જૂથોના વિદ્યાર્થીઓને ભેગા કરી શાળાના બાલવૃંદનાં ચાર જૂથ તૈયાર કરવામાં આવશે.
અહીં એ ધ્યાન રાખવું કે દરેક ધોરણમાં ચારેય જૂથનાં નામ સમાન હોય. જેમ કે દરેક વર્ગમાં એક જૂથનું નામ આર્યભટ્ટ હોય તો દરેક ધોરણના આર્યભટ્ટ જૂથનાં તમામ બાળકોને સમાવતું શાળાનું આર્યભટ્ટ જૂથ બને. આ જ રીતે ધોરણવાર બાકીના ત્રણ જૂથ પણ જે તે શાળામાં એ જ નામથી કાર્યરત બને.
૩) જૂથ નામકરણ
દરેક વર્ગ અને શાળાના તમામ વિદ્યાર્થીઓને 4 બાલવૃંદ જૂથમાં વિભાજિત કરવા બાલવૃંદનાં દરેક જૂથ પોતાના નામથી ઓળખાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ કરેલ ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ ભારતીય વૈજ્ઞાનિકો, ગણિતજ્ઞો, સંશોધકો, દાર્શનિકો વગેરેના નામો તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રીતે જૂથોના નામ પસંદ કરી શકશે.
• જૂથના તમામ સભ્યો કે વિદ્યાર્થીઓ તેમના જૂથના નામ સંદર્ભેની માહિતીથી જાણકાર થવા જોઇએ.
b) કામગીરી વ્યવસ્થાપન
બાલવૃંદના તમામ જૂથના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડવામાં આવશે.
• આ પ્રવૃત્તિઓ શૈક્ષણિક તેમજ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ હશે, જેમાં વિદ્યાર્થીઓને તેમની પસંદગી, રસ-રૂચિ અનુસાર જોડવામાં આવશે. • વર્ગખંડ તેમજ શાળા વ્યવસ્થાપનને લગતી કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવશે.
દર ૧૫ દિવસે આ તમામ કામગીરી એક રોટેશન મુજબ સોંપવામાં આવશે. જેથી તમામ
જૂથને દરેક પ્રકારની શાળાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય બનવાની તક મળે.
c) જૂથ પ્રતિનિધિ
બાલવૃંદમાં યોગ્યતા માપદંડ અથવા અન્ય લોકતાંત્રિક વ્યવસ્થાની પ્રક્રિયાના આધારે જૂથ પ્રતિનિધિની પસંદગી કરવામાં આવશે.
જે તે પ્રવૃત્તિની જરૂરિયાત મુજબ જૂથ પ્રતિનિધિ પસંદ કરવામાં આવશે, જેથી મહત્તમ બાળકોને જવાબદારી લેવાની અને નિભાવવાની તક મળશે.
૪) જૂથ કાર્યપદ્ધતિ
d) શૈક્ષણિક પ્રવૃત્તિઓ
ધોરણ ૩ થી ૮માં જે બાળકો વાચન, લેખન તેમજ ગણનમાં નબળાં છે, તે તમામ બાળકો જે બાલવૃંદના જૂથમાં હશે તે જૂથના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા અધ્યયન કાર્ય કે ઉપચારાત્મક કાર્ય કરાવવામાં આવશે.
બાલવૃંદના જૂથો વચ્ચે અંતાક્ષરીની જેમ મુખર વાચન કરાવવું. મુખર વાચનમાં દરેક જૂથના તમામ સભ્યોને મુખર વાચનની તક મળે તેનું ધ્યાન રાખવું.
. જે તે ધોરણમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિ વિષયવસ્તુ આધારિત પ્રવૃત્તિઓ આ ચાર જૂથમાં કરાવી શકાય.
સામયિક મૂલ્યાંકન કસોટી માટે જે તે અધ્યયન નિષ્પત્તિઓ સંદર્ભે જૂથમાં પૂર્વતૈયારી કરાવવી. સામયિક મૂલ્યાંકન કસોટી બાદ જે બાળકોને ઉપચારાત્મક કાર્ય કરાવવાનું થાય છે તેમાં પણ વિષય શિક્ષક તેજસ્વી વિદ્યાર્થી કે જે તે વિષયમાં નિપુણતા ધરાવતા વિદ્યાર્થીઓની મદદ લઇ શકે છે.
• સત્રાંત કસોટીઓ માટે તમામ ચાર જૂથ, પોતાના જૂથમાં પૂર્વ તૈયારી કરે તેવું વાતાવરણ નિર્માણ કરવું.
જે એકમ પૂરો થયો હોય તેની ક્વિઝ યોજવી. કોઈ એક જૂથના વિદ્યાર્થીઓ પોતે જે તે એકમ સંબંધી પ્રશ્નો તૈયાર કરે અને બાકીના જૂથોને ક્વિઝની જેમ પૂછે. વારાફરતી તમામ જૂથને ક્વિઝ માટેના પ્રશ્નો તૈયાર કરવા અને બાકીના જૂથોને પૂછવાની તક આપવામાં આવશે.
• બાલવૃંદના જૂથો વચ્ચે સ્પર્ધા કરાવીને ગણિત ઓલિમ્પિયાડ, વિજ્ઞાન તેમજ ભાષાઓમાં થતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેના સ્પર્ધકોની પસંદગી પણ કરી શકાય. ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન માટેની કૃતિઓ પસંદ કરવા માટે પણ બાલવૃંદના જૂથો વચ્ચે સ્પર્ધા કરાવી શકાય.
• સામાન્ય જ્ઞાનની ક્વિઝ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ લેખન સ્પર્ધાઓ વગેરે કરાવી શકાય.
• નિયમિત અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ સંદર્ભે વર્ગખંડમાં કરવામાં આવતાં સતત
મૂલ્યાંકનમાં વર્ગખંડની બાલવૃંદનો ઉપયોગ કરી શકાય.
સામયિક તેમજ સત્રાંત મૂલ્યાંકન કસોટીઓની પૂર્વતૈયારી તેમજ કસોટીના પરિણામ બાદ ઉપચારાત્મક કાર્ય સંદર્ભે બાલવૃંદના જૂથની મદદ મેળવી શકાય.
• જે તે વિષય શિક્ષક દ્વારા તેમના વિષયની અધ્યયન નિષ્પત્તિઓમાં નિપુણતા મેળવનાર વિદ્યાર્થીઓની મદદથી જે બાળકોમાં કચાશ જણાય, તે કચાશ જૂથ પ્રવૃત્તિઓ દ્વારા દૂર કરી શકાય.
પ્રોજેક્ટ વર્ક, તપાસ આધારિત અધ્યયન, સામુહિક કાર્ય વગેરે જેવી પ્રવૃત્તિઓમાં બાલવૃંદનો ઉપયોગ કરી શકાય.
e) સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ
પ્રાર્થના સભા - શાળાની પ્રાર્થનાસભામાં બાલવૃંદના દરેક જૂથનો દર પંદર દિવસે વારો આવશે. તે જૂથ પ્રાર્થનાસભાનું સંચાલન કરશે. જેમાં જે તે સમયગાળાની દૈનિક પ્રાર્થનાસભાની પ્રવૃત્તિઓ તે જૂથના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આ જૂથના મોટાભાગના વિદ્યાર્થીઓને કોઇપણ એક પ્રવૃત્તિમાં ભાગ લેવા માટેની તક આપવામાં આવશે. આમ, દરેક જૂથના તમામ વિદ્યાર્થીઓને પ્રાર્થના સભામાં રજૂ થવાની તક પ્રાપ્ત થશે.
• તહેવારો / કાર્યક્રમોની ઉજવણી - રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી, વ્યક્તિ વિશેષ દિન તેમજ દિન વિશેષની ઉજવણી કરવા માટે પણ બાલવૃંદના જૂથોનો ઉપયોગ કરવાનો રહેશે. જેમાં, તહેવાર ઉજવણી અંગેનું આયોજન, વ્યવસ્થા તેમજ અમલીકરણ જે તે જૂથના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. જે તે જૂથના મેન્ટર શિક્ષક બાળકોને માર્ગદર્શન આપશે.
• મૂલ્ય શિક્ષણ - પ્રામાણિકતા, નિષ્ઠા, સ્વચ્છતા, ટ્રાફિક નિયમન, શિસ્ત, રાષ્ટ્રભાવના, ભાતૃભાવના, આદર કરવો જેવા મૂલ્યો વિકસે તે માટેની પ્રવૃત્તિઓ કરાવવી.
બાલવૃંદ અંતર્ગત મોક પાર્લામેન્ટ, મોક વિધાનસભા, મોક કોર્ટ વગેરે જેવાં નિદર્શન કરાવી શકાય.
• શાળામાં ખેલ મહાકુંભ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરતી વખતે પણ બાલવૃંદનાં જૂથોની આંતરિક સ્પર્ધાઓ દ્વારા પસંદગી કરવી. આ જ રીતે કલા ઉત્સવ અને કલા મહાકુંભ માટે પણ વિદ્યાર્થીઓની પસંદગી કરી શકાય.
બાળમેળા, લાઇફ સ્કીલ મેળા જેવી પ્રવૃત્તિઓમાં પણ બાલવૃંદ દ્વારા કૃતિઓ તૈયાર કરી રજૂ કરવામાં આવશે.
• પ્રવાસ, પર્યટન દરમિયાન પણ બાલવૃંદના પ્રતિનિધિને યથાયોગ્ય જૂથ કામગીરી સોંપી શકાય.
• વિવિધ પ્રવૃત્તિઓ માટે જૂથમાં પ્રોજેક્ટ કાર્ય પણ કરાવી શકાય.
૫) સહ શૈક્ષણિક પ્રવૃતિઓનું મૂલ્યાંકન
• સામાન્ય જ્ઞાનની ક્વિઝ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ લેખન સ્પર્ધાઓ, રમતગમત અને કલા સ્પર્ધાઓ વગેરે જેવી સ્પર્ધાઓમાં વ્યક્તિગત વિજેતાઓએ મેળવેલ પોઈન્ટનો શ્રેય
જે તે બાલવૃંદ જૂથને આપવામાં આવશે.
• જ્યારે પણ વ્યક્તિગત વિદ્યાર્થી કોઇપણ સ્પર્ધામાં જીતશે ત્યારે તેના બાલવૃંદ જૂથને પોઇન્ટ આપવામાં આવશે.
• આ મૂલ્યાંકન માળખું શાળા પોતાની રીતે નક્કી કરશે.
૬) આચાર્ય/ મુખ્ય શિક્ષક/ મેન્ટર શિક્ષકની કામગીરી
a) મેન્ટર શિક્ષકની કામગીરી
શાળાના દરેક શિક્ષક મેન્ટર તરીકે કોઈ એક અથવા એકથી વધુ જૂથ સાથે જોડાશે. દા.ત. શાળામાં આઠ શિક્ષક હોય તો દરેક જૂથમાં બે બે મેન્ટર શિક્ષક હશે.
• મેન્ટર શિક્ષક પોતાના જૂથના માર્ગદર્શક તરીકે કાર્ય કરશે.
મેન્ટર શિક્ષક નિયમિત અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે તેમજ વિષય અનુરૂપ વિશેષ પ્રવૃત્તિઓ કરવા માટે બાળકોને પ્રોત્સાહિત કરશે.
"મેન્ટર શિક્ષક વિદ્યાર્થીઓને ટીમમાં કેવી રીતે કામ કરવું, દરેક સભ્યની શું ભૂમિકા હશે વગેરે સમજાવશે. • મેન્ટર શિક્ષક સુનિશ્ચિત કરશે કે દરેક વિદ્યાર્થી દરેક પ્રવૃત્તિમાં સક્રિયપણે ભાગ લે અને કોઈ તેનાથી વંચિત ન રહે.
b) આચાર્ય મુખ્ય શિક્ષકની કામગીરી
શાળામાં બાલવૃંદની રચના કરવામાં આવી છે તે સુનિશ્ચિત કરશે.
શાળાના દરેક શિક્ષક બાલવૃંદના મેન્ટર તરીકે જોડાય તે સુનિશ્ચિત કરશે.
• શાળાની બાલવૃંદની કામગીરી માટેનું આયોજન, આયોજન પ્રમાણે અમલીકરણ તેમજ ત્યારબાદ કામગીરીની સમીક્ષા કરશે.
શિક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓને સાથે રાખી બાલવૃંદના કાર્યની સમીક્ષા કરશે.
સમયાંતરે બાલવૃંદની કામગીરીને બિરદાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.
૭) બાલવૃંદનું મહત્વ
વિદ્યાર્થીઓનું જૂથ હોવાથી તેઓને પોતાના જૂથ સાથે રહેવાનો આનંદ થાય છે અને પ્રવૃત્તિઓમાં રસ પડે છે.
પોતાના જૂથનું કાર્ય સારી રીતે કરવાની જવાબદારી આવે છે જેથી પ્રવૃત્તિઓમાં સક્રિયતા વધે છે.
વિદ્યાર્થીઓની સક્રિયતા વધવાથી શિક્ષકનું કાર્ય સરળ બને છે.
• વિદ્યાર્થીઓ પ્રવૃત્ત રહેવાથી અધ્યયન પ્રક્રિયા રસપ્રદ બને છે.
• વિદ્યાર્થીઓને જે તે કાર્ય તરફ જવાબદારી અદા કરવાની તક મળે છે, તેઓને તેમના કાર્ય સંદર્ભે વિવિધ પ્રકારની રજૂઆતની તક પ્રાપ્ત થાય છે.
બાલવૃંદને લીધે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, સહભાગી શિક્ષણ/પીઅર લર્નિંગમાં મદદ થશે. તથા જ્ઞાનની આપ-લે, વિચારોનું આદાનપ્રદાન, સંભાળ, નેતૃત્વ અને ટીમ નિર્માણ વગેરે વિકસાવવામાં મદદ થશે.
Bal Vrund Pdf file-2024-25 - બાલવૃંદ ફાઇલ